ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજિત વક્તવ્યના વક્તા ગિરીમા ઘારેખાન. તેમણે તેમની બે વાર્તાનું પઠન કર્યું , બંને હ્રદયસ્પર્શી હતી. પહેલી વાર્તા ગ્રીનકાર્ડ સત્ય ઘટના પર આધારિત હતી ને બીજી વાર્તા ગુલાબ, બારમાસી ને મનીપ્લાન્ટ અને ….નાયિકા ને લેખકની આસપાસ ચકરાવો લે છે.
સાવ સાધારણ સ્થિતી ધરાવતા ગ્રીનકાર્ડ વાર્તાના પાત્રો એટલે મનીષ તેની પત્ની નયના ને બે બાળકોનો પરિવાર . એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત. જિંદગી જેમતેમ વ્યતીત કરતા મનીષના મનમાં પરદેશ જવાની ઘેલછા લાગી. તેનો મિત્ર ને ગામમાંથી ગયેલા કેટલાંક યુવાનો અમેરિકા સ્થાયી થઇપરદેશની કમાણીમાંથી સમૃધ્ધ થયા હતા તેની તેની લાલસા દિવસે દિવસે વધતી હતી. પત્ની નયનાએ તેને બહુ વાર્યો પણ એકનો બે ના થયો. આખરે ખેતર વેચીને પૈસાનો બંદોબસ્ત કરી એજન્ટને આપ્યા.
હવે કાયદાકીય રીતે તો અમેરિકા જવાય નહીં એટલે એજન્ટો પૈસા લઇ કેનેડા માટે સહેલાઇથી વિઝા મળે એટલે જે તે પરિવારોને ટોરેન્ટો પહોંચાડતા. પછી ત્યાંથી બસમાં કેનેડા ને અમેરિકાની બોર્ડરથી થોડે દૂર ઉતારી દેતા પછી ચાલીને કડકડતી ઠંડીમાં બરફનું રણ ક્રોસ કરવું પડતું. સામે છેડે લેવા આવનારની વ્યવસ્થા હોય જે illegal અમેરિકામાં ઘુસાડતા. આ પ્રમાણે મનીષના પરિવારની પણ વ્યવસ્થા થઇ. ટોરેન્ટોથી બસમાં બેસાડી જ્યારે ઉતારવામાં આવ્યાં ત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ થયો. બે નાના બાળકો સાથે આગળ વધવાનું મુશ્કેલ થતું ગયું. શરીરમાં તાકાત ને ખાવાનું હતું ત્યાં સુધી ટક્યા, પછી તો ઠંડો પવન ને બરફના તોફાન સામે ટકી નશક્યા. તેમના ગ્રુપથી પણ છૂટા પડી ગયા ને દિશાવિહીન થઇ જતાં એક પછી એકેત્યાં બરફની ચાદર ઓઢી દમ તોડ્યો. પરદેશની ઘેલછા મોતનું કારણ બની. આ રીતે અમેરિકા જનાર માટે લાલ બત્તી ધરાવતી સુંદર વાર્તા.
બીજી વાર્તા ગુલાબ, બારમાસી ને મનીપ્લાન્ટ અને….. વાર્તા પાત્રો લેખક તેની પત્ની માયા ને લેખકની વાર્તાના પાત્રોમાં કુસુમ નાયિકા ને તેનો પરિવાર. આ વાર્તાનો અંત પણ લેખકે વાંચકોપર જ છોડ્યો છે. લેખકનો આવાસ એટલે ત્રણ માળના ઘરના પહેલા માળે. નીચે આવેલાં કુટુંબમાં મા, બાપ ને તેમની જુવાન દીકરી રહેતા હતા. હવે પત્ની વાત લાવી કે નીચે રહેતા પરિવારનો પુરુષ ખૂબ ગુસ્સાવાળો છે, તેથી અડોશ પડોશના લોકો તેની જોડે સંબંધ રાખતા નથી. લેખક સવારે નીચે આવેલાં સુંદર બગીચાને જોઇ રહેતા. એકવાર બગીચાનું રસદર્શન કરતાં હતાં ત્યારે અચાનક કુસુમનાં દર્શન થયા. સુંદર લાંબા વાળ ને અનુપમ સૌંદર્ય ધરાવતી યુવતી કુસુમ. સવારે કુસુમ દરેક છોડ સાથે વાત કરતી ને ફૂલોને સંવારતી જોવા મળતી, લેખકને ગુલાબના સૌંદર્યની સાથે કુસુમની સુંદરતા ગમતી. તેને તેની સાથે વાત કરવાનું મન થતું. દીકરી જેવું વહાલ તેના પર ઉપજતું પણ તેના પિતાને કદાચ ન ગમે એટલે મનની ઇચ્છા સમાવતા.
કુસુમના વિવાહ નક્કી થયા એટલે તેના મંગેતરે તેને મોંઘો મોબાઇલ આપ્યો.હવે તેના પિતા પાસે સાદો જ મોબાઇલ હતો તેથી તેણી લેખકની પત્ની પાસે શીખવા આવી. પત્નીને પણ એપ ડાઉનલોડ કરતાં આવડતી નહીં તેથી લેખકે સીમકાર્ડ નાંખી શીખવ્યું. મુખ્ય વોટસ એપ ને ફોટા પાડતા જ શીખવું હતું . લેખકેતે શીખવી તેમનો નંબર પણ સેવ કરી આપ્યો.
થોડા દિવસ પછી કુસુમે ગુલાબનો ફોટો લેખકને મોકલ્યો, પછી તો બારમાસી, સૂરજમુખીફૂલ પર બેઠેલા કાળાં ભમરાનો ને કરોળિયાના જાળાંનો. લેખક એવું માનતા કે કુસુમ તેની મનોસ્થિતી ફોટા દ્વારા જણાવે છે. તેમની પત્ની એવું માનતી નહીં. પછી તો લેખક ટૂર ગયા, પાછા આવી જોયું તો બગીચો સૂકાઇ ગયો હતો, કુસુમના લગ્ન થઇ જતાં પતિ, પત્ની પણ બીજે રહેવા ચાલી ગયા હતા. લેખકને હવે કુસુમ લગ્ન પછી સુખી છે કે નહીં તે જાણવાની તાલાવેલી લાગી. તેમનો મોબાઇલ પાણીમાં પડી જવાથી બગડી ગયો હતો. રીપેર થતાં જોયું તો કુસુમે મની પ્લાન્ટનો ફોટો મૂક્યો હતો, કદાચ બગીચાને બદલે મનીપ્લાન્ટ જ હશે તેવું વિચાર્યું. તેનો પ્રોફાઇલ ચેક કરતાં પતિ તેનાથી ઉંમરમાં ખાસો મોટો હતો, મોટા થોભિયા ને મોટી મૂંછો હતી , આ જોઇને લેખકને કાળા ભમરાના મૂકેલા ફોટાનો તાળો મળી ગયો. પછી છેલ્લે ઘણાં દિવસ પછી સુકાઈને વાંકા વળી ગયેલાં કેકટસનો ફોટો હતો.. જે લેખકની વાર્તાનો અંત હતો.
કુસુમ બોલ્યા વગર મનના ભાવો લેખકને દર્શાવતાં ફોટા મોકલતી હતી. છેલ્લો ફોટો કાંટા જેવા દુ:ખી જીવનની સાક્ષી પૂરતાં હતાં ને દુ:ખી જીવનને કારણે તેનું શરીર સૂકાઇને વાંકું વળી ગયું હતુંતેવો જ અંત આ વાર્તાનો હોઇ શકે. સુખી લગ્નજીવનની તો કલ્પના પણ ના કરી શકાય.
આપનો ખૂબ ખૂબ આભાર ગિરિમાબહેન સુંદર વાર્તાકથન બદલ .
કોકિલાબહેન ને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .
—- સ્વાતિ દેસાઇ