સપનાંઓની સવારકેવી હશે? એ વિચારમાં લીન એક બાળક રાત્રિના ઘોર અંધકારમાંચંદ્રની છલકતી ચાંદની નિહાળી રહ્યો છે. તેની મીટ આકાશમાં પથરાયેલા તારાઓના અનંતપ્રવાહ પર મંડાયેલી છે.
નિશ્ચિત લાગતા આસફરમાં ન જાણે કેટલા વિરામ મળશે કે ન જાણે કેટલો પંથ કાપવો પડશે, ક્યારેક એવું પણ થાય કે આ માર્ગ અનંત હોય! જો સવાર પડેત્યારે શરૂઆત થાય, તો શું આ રાત માત્ર એ સવારની પૂર્વ તૈયારી માટેનું એકમાધ્યમ જ છે?
એવા કેટલાયસવાલોને મનમાં ભરીને મથામણ કરતો એ બાળક જાણે ઘોર નિદ્રામાં લીન થઈ જાય છે. તેનામુખ પર એક હળવાશભર્યું અને થોડું મૂંઝવણ સાથેનું સ્મિત છે; જાણે કે પ્રકૃતિના પંચ તત્ત્વોને પડખામાં ભરીને સૂતો છે.
અને સવાર પડેછે.
અગાસી પરથી તેજોઈ રહ્યો છે કે કોઈકે હાથે હળ લીધું છે, કોઈનું તો ઉંમરકરતાંયે વધારે બળ છે. જાણે કે સૌ સવારનાં કિરણોને આલિંગન ભરવા જઈ રહ્યા હોય! કોઈકડોકે દોરડાં બાંધી બળદને ગાડે જોડે છે, તો કેટલાકસવારમાં બળતણ તોડે છે.
ત્યાં એક અવાજઆવે છે: "એલા એ માધા! ઊભો થ્યો કે નહિ, તારા બાપા સાટુંશિરામણ લઈને સીમમાં જવાનું છે." અને ફરી ઉમેરે છે: "હવે જલદી દાતણ કર નેઆ રોટલી શિરાવી લે" માધાને એવું કહેવાવાળાં એની મા જમનાબેન. જગદીશભાઈ અને જમનાબેનનો એકનો એક લાડકવાયો દીકરો એમાધવ. માધવના પિતા જગદીશભાઈ એક ખેડૂત છે. ગામના પાદર પર છએક વીઘા જમીન છે. કાલનીરાતે વાવેલા પાકની માવજત કરવા માટે જ એ વાડીએ ગયા હતા કે કોઈ જનાવર આવીને રંજાડી નદે.
"એ આવ્યો માડી, પણ હું શિરામણ આપીને ફટાફટ વયાવીશ. મારે મારા દોસ્તારો સાથેનિશાળે જવાનું છે પાછું." એટલું માધવ બોલ્યો ત્યાં માડીએ કહ્યું: "એબધું તો ઠીક, પણ તારી તોફાનની ફરિયાદ માસ્તર પાસેથી ન આવવી જોઈએ.હાલ હવે, આ લે શિરામણ!"
માધવના મનમાંહરખનો પાર નથી, કેમ કે હવે એ ગામની પ્રાથમિક શાળામાંથી પાંચ ચોપડીભણીને નદીને પાર આવેલી ધાર પરની નવી નિશાળમાં આગળનો અભ્યાસ કરવા માટે જવાનો હતો.જાણે કે પારેવડાંની પાંખો ખૂલી ગઈ હોય અને ઊડવા માટે ઊંચું આકાશ મળી જાય!
માધવ તૈયાર થઈનેવાડીએ બાપુજીને શિરામણ આપીને કહે છે: "બાપુ, મારા માડીએકહ્યું હતું કે ગંગા સારું થોડી મકાઈ લેતા જાજો ઘરે જાતી વખતે, અને હું જઉં છું નિશાળે."
હવે આ નવુંપાત્ર ગંગા એટલે માધવના ઘરઆંગણે ઢાળિયામાં બાંધેલી ગાય. ભલે એક પ્રાણી હોય, તોય ઘરના સદસ્યની જેમ સાચવતા એને. માવજત તો એટલી કરે કેજાણે સગી દીકરી હોય!
રોજ કરતાં આજનોસૂરજ માધાને વધારે પ્રકાશિત લાગતો હતો અને હરખ તો મોઢા પર સમાતો નથી. બધા મિત્રો વાતો કરતાં કરતાં જાય છે; તેમાંથી એક કહે: "મેં તો નવી ચોપડી લીધી!"ને બીજો કહે: "મેં તો પેન લીધી!" એકબીજાને ટપલી મારતાં જાય છે, મજાક-મશ્કરી કરતાં જાય છે અને એટલામાં તો એમની નિશાળ આવીગઈ. માસ્તરને 'જય શ્રી કૃષ્ણ' કહીને બધાવિદ્યાર્થીઓ પ્રાર્થના ખંડમાં ભેગા થયા, બધાનો પરિચય થયો.
આજે પહેલો દિવસએટલે સાહેબે વર્ગમાં આવીને પહેલાં બધાં બાળકોને તેમના નામ અને તેમને શું બનવું છે, એમ એક પછી એક પૂછ્યું. કોઈ કહે મારે ડોક્ટર, તો કોઈ કહે ટીચર, તો કોઈ કહે મારેએન્જિનિયર બનવું છે.
એમ કરતાં હવેમાધવનો વારો આવ્યો. માધવ જગ્યા પર ઊભો થઈ માસ્તરની સામે જુએ છે અને કહે છે કે:"સાહેબ, મારે તો ગોવાળ બનવું છે."
ત્યાં બધાંબાળકો હસી પડે છે. માસ્તર માધવને પૂછે છે કે: "કેમ તારે ગોવાળ બનવું છે?"
ત્યાં માધવ જવાબઆપે છે કે: "સાહેબ, ગંગા!"
આ ગંગા એ ઘરનીસભ્ય એટલે કે ગાય, જેણે નાનપણમાં માધવનો જીવ બચાવ્યો હતો. હવે આપણને તોસહજ થાય કે એક ગાય કઈ રીતે નાના બાળકનો જીવ બચાવ્યો હશે!
જ્યારે માધવપાંચ વર્ષનો હતો ત્યારે એ ઘીવાય (એવી જગ્યા હતી કે જ્યાં સિંહ કે અન્ય જંગલીજાનવરની અવરજવર રહેતી હતી) માં ભૂલો પડી ગયેલો. અચાનક સામે જંગલી ભૂંડ આવી ગયું. હવે નાના બાળકને શું જ ખબર પડે કે એ કોઈ નાનું ગલૂડિયું નથી કે એની સાથે રમત કરીશકાય! માધવ દોડતો દોડતો એના તરફ જાય છે એને બાથ ભરવા માટે. ત્યાં જ આ દૃશ્ય એક ગાયજુએ છે અને તરત જ એ માનવ બાળકને બચાવવા માટે ભૂંડની સામે થાય છે.
આ અથડામણમાંમાધવ તો બચી જાય છે, પણ એ ગાય બદનસીબે પોતાનો જીવ ગુમાવે છે! આ કરુણ દૃશ્યજમનાબેન અને માધવ સિવાય હજુ કોઈક જોઈ રહ્યું હતું—એ હતી ગંગા!
એક ગાય કે જેણેકોઈ મનુષ્યના બાળકનો જીવ બચાવવા માટે થઈને પોતાની નવજાત વાછરડીને અંતિમ વાર વહાલકરવા સુધીનો પણ વિચાર ન કર્યો. અને એક મા જ એટલી મહાન હોય શકે. મને નથી લાગતું કેઆનાથી વધુ સાબિતીની કંઈ જરૂર પડે.
હજું જેણે જીવન સરખું જોયું નથી એ દીકરી એક નજરે એની માતા સામે જોઈ રહી છે. તેને આશા છે કે મારીમા હમણાં ઊભી થશે અને મને વહાલ કરશે, મને હેત કરશે! પણકુદરતની ક્રૂરતા કેવી છે કે એક મા એના બાળકથી અળગી ન થાય, જીવનભર એના શોક સાથે ન જીવે, એના માટે બીજી મા પોતના પ્રાણનો કે પ્રિયનો વિચાર કર્યા વગર પોતાનો જીવ ત્યાગી દે છે.
આ ઘડીમાં જાણેઆકાશ અને પાતાળ બંને મળી ગયા હોય અને કુદરત જાણે શોક મનાવી રહ્યું હોય! એ ગમગીનસાંજમાં તો ખુદ ઈશ્વરનું હૃદય પણ દ્રવી ઊઠ્યું હોય, તો પછી આ કાળામાથાના માનવીની વેદના તો કેમ જ વર્ણવી શકાય?
એ કરુણ ઘટના પછીજમનાબેન ગંગાને પોતાના ઘરે લઈ આવે છે અને પોતાની સગી દીકરીની જેમ એનો ઉછેર કરે છે.એટલા વર્ષો પછી પણ આ પ્રસંગ એટલો જીવંત લાગે છે કે હજુ નજર સામે તરી આવે તોઆંખોમાંથી મોતી સમાન અશ્રુઓની ધારા નીકળી પડે.
"સાહેબ, ગંગા!"
આ શબ્દો એટલાસરળ પણ અત્યંત ભારે લાગે છે કે જીવનભરના પ્રેમ અને પીડાને એક નામની અંદર સમાવીલીધું હોય.
સ્વાભાવિક રીતેકોઈ ઈશ્વર પાસે શું માંગે? સુખ, સંપત્તિ, સમૃદ્ધિ એ બધું જ, ને? પણ એ હજાર હાથવાળો જાણે છે કે એને શું અને કોને, ક્યારે અને કેટલું આપવું. એવું પણ માંગી શકાયને કે હેપ્રભુ! મને એટલો કાબિલ બનાવ કે હું બીજાના સુખનો માર્ગ બની શકું, મને એટલો મજબૂત બનાવ કે હું દુઃખમાં સ્થિર રહી શકું, મને એટલો યોગ્ય બનાવ કે કોઈ પણ પરિસ્થિતિમાં હું સત્યનો સાથન છોડું, મને એટલો લાગણીશીલ બનાવ કે હું કોઈની ભાવનાઓને ઠેસ નપહોંચાડું.
જે બાળક આવાવિચારો સાથે મોટું થયું છે એ કેટલું નિખાલસ હશે, કેટલું કોમળ હશે, કેટલું સહજ અને સુંદર હશે! અને એ બાળક છે માધવ!
માધવ જવાબ આપેછે કે: "સાહેબ, ગંગા!" પછી ઊંડા શ્વાસ સાથે એક નાનકડો વિરામ લેછે અને પછી આખી વાતનું વર્ણન કરે છે. અને અંતે બસ એટલું બોલે છે કે:
"સાહેબ, મારી અબળખા છે કે જેણે મારી માના ખોળાની, જેણે મારી માની મમતાની માવજત કરી છે, મારે એ માવડીઓની માવજત કરવી છે!"
આ જવાબ સાંભળીને શિક્ષક સાથે ત્યાં ઉપસ્થિત તમામ લોકો સ્તબ્ધ થઈ જાય છે, નેત્ર સજળ થાય છે. બારીમાંથી આવતા પ્રકાશનાં કિરણોની અથડામણ માધવની આંખોના ખૂણે રહેલાં અશ્રુઓ સાથે થાય છે અને મોતીની જેમ ચમકી ઊઠે છે!
લેખક - ડૉ નિતિનકાતરીયા
