રસોડાની બારીમાંથી મારું આકાશ

સુષમા શેઠ

March 7, 2026

'એક ટુકડો સ્વર્ગ'

 

ઈંટ સિમેન્ટથી ચણેલી દરેક નિર્જીવ દિવાલમાં એક બારી તો હોવી જ જોઈએ, રસોડાની દિવાલને તો ખાસ અનેદરેક બારી ખુલતી હોય  એવા આકાશમાં જેધબકતું હોય અને એ કંકુવરણું કે પીળું પિતાંબર ઓઢેલું આકાશ મારું હોય, ફક્ત મારું.

 

જાણીતી લેખિકા વર્જીનિયા વુલ્ફ લિખિત નિબંધ "અ રૂમ ઑફ વન્સ ઑન"માં એકહે છે કે દરેક નારી પાસે પોતાની સ્વતંત્ર આવક અને એકાંતની પળો હોવી આવશ્યક છે જેએની પોતાની હોય. એને અવકાશ મળવો જોઈએ જેથી એ સર્જન કરી શકે. તો વળી લેખક વિનોદકુમાર શુક્લની નવલકથા: "દિવાર મેં ઈક ખિડકી રહતી થી" સાધારણ વાચકને મનવાંછિત જાદુઈ દુનિયામાં લઈ જાય છે જે બારીની પેલે પાર છે. બારી વગરનું ઘરવેન્ટિલેટર પર મરવાને વાંકે જીવી રહેલા દર્દી જેવું છે. સરસ વેન્ટિલેશનવાળા ઘરનેકે જીવનની પળો મુક્તપણે માણતી ઘરવાળીને વેન્ટિલેટરની જરૂર નથી પડતી. આકાશ જીવંતતાનું પ્રતીક છે.  કોણ જાણે કેટલુંય એની ભીતર સમાવી અને શમાવીને બેઠું છે.

 

ખુલ્લીબારી એ સ્વતંત્રતાનું પ્રતીક છે. બહારની દુનિયા સાથે સંવાદ સાધવા માટેની પ્રતિનિધિ છે.  પ્રકાશ જેવા મોંઘેરા મહેમાનને આમંત્રણ આપનાર યજમાન છે. એ અંધકારને જાકારો આપે છે. આકાશ એટલે સિધ્ધિ અને સફળતાની ઉડાન ભરવા માટેનું મોકળું મેદાન.

સ્ત્રીને રસોડાની રાણી કહેવાઈ છે. હું પણ એમનામાંની જ એક છું. રસોડું અને સ્ત્રી એકમેકના પર્યાય.

 

તેલ ગરમ થયું અને છમમમ... વઘાર થતાં જ તતડેલી રાઈ અને મેથીના દાણા કડાઈમાં ઊછળ્યા એ સાથે જ લસણની વાસ આખા રસોડામાં ફેલાઈ ગઈ. આ તો રોજનું થયું. ફક્તરાઈ-મેથી નહોતા તતડતા, મારું મન પણ...

 

મેં રસોડાની બારી સહેજ ખોલી. બારી ખુલતાં જ ગુંગળાએલી હવા બહાર હડસેલાઈ અને‌ક્યારની ડોકિયા કરતી તાજી હવા અંદર ધસી આવી. મેં ઊંડો શ્વાસ લઈ એને આવકારી,"આવ" એ મલકી. આનવા જમાનાની નવી હવા પોતાની સાથે ઘણુંય નવું નવું લેતી આવી. ધીમે રહીને મેં આખ્ખીજ બારી ઉઘાડી જોયું તો સામે વિશાળ ભૂરું આકાશ. જાણે અવનિને ઓઢાડેલી પછેડી. એનો નકોઈ છેડો ન કોઈ અંત. આકાશમાં ઉછરતા પોચાં રૂ જેવાં ધવલરંગી વાદળ; કોઈ હસતાં કોઈ રમતાં કોઈ ઝરમર ઝરમર વરસી પડતા તો કોઈ ટપ ટપ આંસુ સારતા. ઘડિયાળને ટકોરે પ્રકટ થતો પેલો સૂરજદાદોય ગેલ કરતો એની પાછળ લપાય. એનાં કિરણો મારી બારીને અડીને અડપલાં કરે પછી લાંબા થઈ  પથરાય રસોડાના પ્લેટફોર્મ પર.સાંજ પડે એટલે સૂરજ એઈને પછી જાય ધરતીને ચૂમવા પણ આડી આવે ધરખમ જમાદાર જેવી ક્ષિતિજ. સૂરજને કહે, "આમ ઉતાવળો ન થા."  

 

અચાનક શ્યામરંગી વાદળોમાં મને એક આકાર દેખાયો. આ તો મારો શ્યામ ઘનશ્યામ. જેનેઈચ્છું છું, ચાહું છું અને પામવા મથું છું એ જ.

 

કવિ શ્રી.નીનુ મઝુમદાર કહે છે, "પ્રગટ્યા દીવા કંઈક ચપોચપ ઉઘડી ગગન બારી, નીરખે આભની આતુર આંખો,દોડી આવી દિગનારી..."

 

છટકબારી જેવી બારી ફટાક કરતીને ઊઘડી ગઈ. ત્યાં તો એક પંખી પાંખો ફફડાવતું અંદરઆવીને બેસી ગયું. પંખીના પગમાં ઝાંઝરી! રણઝણાટ સંભળાય અને ઝણઝણાટ થાય! ભીતર કશુંક સળવળ્યું. નર્યો ફફડાટ? ના, ફફડાટ હડસેલીને ઊંચેઉડવાની આકાંક્ષા હતી એ. અનંત આકાશ મને સાદ પાડીને બોલાવતું હતું. ચોખ્ખું સંભળાતુંહતું, ''આવ, તારી મર્યાદાઓ ઓળંગીને આવ‌."અને પાંખો ફૂટી. અટકેલું કે છટકેલું મન મુંઝવણમાંથી છૂટીને ઉડાન ભરવા તૈયાર. મેંયપ્રીતનો અરથ જાણ્યો અને અચાનક જ આભનો એક વામન ટૂકડો વિરાટ બની ગયો.

 

માત્ર બારી જ નહોતી ખુલી, ભીતરની બારી પછવાડે બંધ કરીને રાખેલું જાળિયું  ઊઘડી ગયું હતું. નિરભ્ર નભ જાણે કહેતું હોય,"સ્કાય ઈઝ ધલિમીટ." રાત્રે વળી એવું જ થયું. મેં બહાર નજર કરી. એક તેજ લિસોટો બારીવળોટીને ભીતર પેઠો. આ તરફ છમ્મ વઘાર અને પેલી તરફ પાયલની છમ્મ છમ્મ! મારા ચહેરા પરશીતળ ચાંદની પથરાઈ ગઈ. સમગ્ર તનમનમાં સમીરની એક શીતળ લહેરખી દોડી ગઈ. પગ પણ ક્યાં સ્થિર હતાં? વર્ષોથી વિસારી દઈને કોરાણે મૂકેલો નૃત્યનો શોખ જાણે આળસ મરડીને બેઠો થયો. પછીતો ભીતર, બહાર, ઉપર, નીચે ચારેકોર બધું જ નૃત્ય કરતું હોય એવું લાગવા માંડ્યું. મનડું રચે રાસ. આખુલેલી બારીએ તો મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી! સમગ્ર આકાશ ઝબૂકતા તારલાઓથીચમકતું હતું જાણે મારી આભલા ટાંકેલી ઓઢણી. મારી હથેળીમાં ઝબૂક ઝબૂક થતાં આગિયા આવીને બેઠાં. મન ગાય, "મેં તો પ્રેમ દીવાની મેરા દરદ ન જાને કોઈ.''  ફરી અચાનક મને દેખાયો મારો કૃષ્ણ. આત્મા અને પરમાત્મા થયાં આત્મસાત્. મેંહરિનો સાક્ષાત્કાર અનુભવ્યો.

 

મેં ઓઢણી ઓઢી અને પગ છમ્મ છમ્મ છમ્મ. કર્ણપટલ પર આ શું અડી ગયું? પાયલની છમ્મ છમ્મ કે પેલાપક્ષીઓનો કલરવ? દિલની સિતાર રણઝણ રણઝણ વાગે. હોઠે હરિનું નામ. આત્માનો આવિર્ભાવ થતાં જ મારુંરોમ રોમ‌ પુલકિત થઈ ઊઠ્યું. સપ્તપદીના ફેરા ફરતી હોઉં તેમ મેં આકાશમાં સાવ હળવાધીમા સાત પગલાં માંડ્યાં અને જાદુ થયો. સમગ્ર આકાશ એક સભાગૃહ બની ગયું. ચાંદામામામુખ્ય અતિથિ બની બેઠેલા અને તારલિયાઓ મને તાકતા રહ્યાં. હું નાચી, ભાન ભૂલીને નાચી. મન મૂકીને નાચી. બાઈ મીરાંની જેમ નાચી. મને મળ્યો મારો ગિરિધર ગોપાલ અને હું નાચી. ઓઢણી ઓઢીને તાલબદ્ધ નાચી. મારા વહાલમ જેવો મીઠો મલય મલકતો જાય અને મધુર સંગીતના સૂરછેડતો જાય. થાય, સાંભળતી જ રહું પણ પગનો થનગનાટ સહેજેય ન અટકે.

 

વળી કવિ નીનુ મઝુમદાર આગળ કહે છે,

"રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં, કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયેશમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..."

 

અને કુકરની સીટીએ મને ઢંઢોળી. દિવાસ્વપ્ન જોઈ રહેલી હું આંખો ચોળતી પાછી મારા રસોડામાં પટકાઈ અને ફરી એની સાથે જોડાઈ ગઈ. હવે તો રસોડામાં થતો છમ્મ વઘાર આખો દિવસ હું અને મારું રસોડું. એ જ તો મારી કર્મભૂમિ.

પણ નિશાકાળે આંખ મીંચુપછી તો હું અને મારું આકાશ. થનગનતા પગ અને મનગમતો ઘાટ. રાત-દિવસ એ બન્ને તો એક જસિક્કાની બે બાજુ. ખરે જ મન તો ગગનમાં મુક્તપણે વિસ્તરતું પંખી; ધારે એ કરી શકે છે.

 

બારી ખોલું અને મારી આસપાસ સુગંધનો દરિયો મને ઘેરી વળે. એમાં હું ઓગળતી જાઉંછું અને પોતે બની જાઉં છું એક ચહીતી સુગંધ. મારાં મનચક્ષુ નીરખે મારા મોહનને.મોરલી વાગે અને ભાન ભુલાવે. એમાં હું ઓતપ્રોત, એની ભક્તિમાં લીન.

 

હવે તો રસોડું પણ મહેકી રહ્યું છે. બારી બહારનું આકાશ ચહેકી રહ્યું છે. મારાહોઠ મલકી રહ્યાં છે. છો ને આંખો મીંચેલી જ રહી. મારા મનમાં એ, મારા તનમાં પણ એ જ. એની માયાલાગી પછી જગ લાગે ખારૂં. મારું રસોડું ગજાવું છું અને કહું છું, "પાયોજી મૈંને રામ રતન ધનપાયો."

 

પણ ના, ક્યાંકથી સૂર્યકિરણોએ આવીને હળવેકથી કાનમાં કહ્યું, "ઊઠ" અને આંખ ખોલતાં જમેં મારી નજરનો શેરડો ચારેકોર ફેંક્યો. કડક મીઠી ખુશ્બુદાર ચ્હાનો કપ મોઢે માંડ્યોઅને પેલું ગીત દોડતું આવીને મનોમસ્તિષ્કમાં છવાઈ ગયું, "આજ મૈ ઉપર, આસમાં નીચે, આજ મૈં આગે, જમાના હૈ પીછે" શું એક્યાંક વાગતુ હતું કે એય મારી સુષુપ્ત ચેતનાની કલ્પના માત્ર? ઘડીભર પહેલાં હું કૃષ્ણનીબની ગયેલી અને એ મારો. આકાશે રંગ બદલ્યો.

 

મારા રસોડાની બારીમાંથી મારું આકાશ દેખાય છે એમાં તરી રહ્યું છે એક મોરપીંછ.આવીને પડ્યું છે મારી હથેળીમાં; એમાં સંભળાય છે વેણુના સૂર, અનુભવાય છે પીળા પીતાંબરનો રેશમી સ્પર્શ અને હું માણું છું મંથન બાદ મળેલામાખણનું માધુર્ય. શું આને જ ઈશ્વરનો સાક્ષાત્કાર કહેવાતો હશે?  

 

મારું આકાશ ઘેરાયું છે. ઝરમરિયો વરસાદ મને ભીંજવે છે. એ વરસાદ છે કે મારાવ્હાલા પ્રભુનો પરસાદ? ભક્તિનું બીજ અંકુરિત થઈને આભને આંબવા જઈ રહ્યું છે. ઊંચે રે ગગનને ખોરડેબેઠેલા હરિએ દર્શન દીધાં છે. મારું ખોરડું લાગે છે મને નાનું રે.

 

ચાલો ત્યારે ઓરા આવો તો કાનમાં કહું એક વાત, રસોડાની બારીમાંથી દેખાતુંમારું આકાશ એ જ મારું સ્વર્ગ છે, મારી પોતાની રચેલી એ સ્વપ્નનગરી. મારી એ સ્વપ્નનગરીમાં વસતો કનૈયો મારી સાથેરાસ રચાવે છે અને હું એના મેઘધનુષી રંગોમાં રંગાઈ જાઉં છું. હવે મને દુનિયાની શીતમા?

 

નીલ ગગનનું પંખેરું પાછું આવીને બારીની પાળીએ બેઠું. મારા ઘરનું નાનકડુંરસોડું મારું. એમાં રહેતી એક બારી પણ મારી; જે હવે સદાય ખુલ્લી રહે છેઅને આખું ખીલેલું આકાશ પણ મારું. એમાં દૃશ્યમાન કૃષ્ણ પણ મારો અને હું આખેઆખી એની.મને મળી ગયું એક ટુકડો સ્વર્ગ.

******

સુષમા શેઠ.