સિક્સ્થ સેન્સ

અજય ઓઝા

April 21, 2025

સા..વ ખોટ્ટો ચિંતા કરે છે.હું કહું તો છું કે એના મનમાં એવું કશું જ નથી. એના એટલે.. રાજુના. તોપછી ? કોઈ મને ફ્લર્ટ કરવા કોશિશકરે અને હું એ સમજી ન શકું એવી ભોટ હું નથી.તને ખબર છે? સ્ત્રીની સિક્સ્થ સેન્સ કેટલી સતેજ હોય છે ! પુરુષના પગલાં પરથી જ હું વાંચી શકું કે તેના મનમાં શું ચાલેછે. એય.. યાદ કર તને પણ આમ જ ઓળખી ગયેલી કે નહિ ?

શું કહે છે? અવાજ કેમ કપાય છે? જરા નેટવર્કમાં આવ ને.લે ? હું તારા નેટવર્કમાં નથી રહેતી? ફરિયાદ કરે છે? જા ને હવે. અત્યારે કોણે આ ફોન જોડ્યો ? તેં કે મેં ?  કે જોઉં !

એટલે ? તું કહેવા શું માગે છે ? હા.. સિક્સ્થ સેન્સ સતત વાપર્યાકરું તો ઘસાઈ ન જાય ? ઓ હેલો.. હુંમારો સમય આમ સતત બધા પુરુષોના પગલાં પારખવામાં જ બરબાદ કરતી રહું છું ? એવું કહેવા માગે છે? સમજી વિચારીને બોલ.હું તારી પત્ની છું પત્ની.આવું કહેતા તને શરમ નથી આવતી ?

ના ના, હું સમજું જ છું, તારો કહેવાનો અર્થ. હા, કદાચ મૂકેશની બાબતમાં તું સાચોહતો, પણ.. પણ,  હવે આજે કોના પેટમાંશું ચાલી રહ્યું છે એ બધું જ આપણે કેમ જાણી શકીએ? સિક્સ્થ સેન્સ પણ ક્યારેક ખોટી પડી શકે. બટ, આ રાજુના મનમાં એવું કશું જ નથી.

હેં ? શું ? મૂકેશ માટે પણ એ વખતે મેં આમજ કહ્યું હતું ? એમ ? બની શકે, ક્યારેક હું પણ ભૂલ કરી બેસું.ત્યારે તારે જ તો મને સંભાળી લેવાની હોય ને ! ના ના, પણ આ રાજુ માટે એવું નથી. અરે જુનિયર છે મારો, કદાચ બે-ચારવરસ નાનો પણ હશે મારાથી. નવો નવો છે. ફૂટડો યુવાન છે.

લે.. ! મેં ફૂટડો કહ્યો એટલે મને ગમી ગયો એવું સમજી લેવાનું ? તું પણ.. સાવ ખોટ્ટો ચિંતા કરે છે. જો આમ જ ગેરસમજ કરતો હોઈશ તો હું કશું કરી શકીશ નહિ, કહી દઉં છું.હા પણ બીજું શું.તારી તો આદત બનતી જાય છે આમ ગેરસમજ કરતા રહેવાની.

જો સાંભળ, રાજુ હજી નવો તરવરિયો છે, હું એની સિનિયર છું એટલે મારે જ એને ટ્રેઇન કરવાનો હોય. ...વેઇટ વેઇટ વેઇટ,આઇ નૉ ડીયર,મને ખબર છે,તારો આ પ્રશ્ન આવવાનો જ હતો કે તું જ્યારે જ્યારે ફોન કરે ત્યારેએ મારી આસપાસ જ કેમ હોય છે? પણ એ નવો છે, કંઈ ભૂલ કરી બેસે તો જવાબદારી કોની? અરે મારી જ હોય ને? દરેક કામમાં મારે એને ઘડવાનો હોય છે. એને વારે વારે મને પૂછવા પણ આવવું પડે. એટલે મેં જ એનું ટેબલ મારી બાજુમાં લેવરાવી લીધું. એ પાસે જ રહે એ મને પણ જરાય ગમતી વાત તો નથી જ, પણ શું થાય.એને ડગલે ને પગલે કંઈક ને કંઈક નવું શીખવાની ધગશ પણ હોય કે નહિ. બસ, એકવાર તૈયાર થઈ જાય પછી જાન છૂટે!

જો, આપણે તો માત્ર ફોર્મલી જે રીલેશન હોય એટલું જ.વધું કશું નહિ.તને ખબર છે હું એમ ખોટી રીતે કોઈને માટે તણાઈ જાઉં એવી પણ ક્યાંછું ? સાથે નોકરી કરીએ એટલું જ. હા અપડાઉનમાં પણ બસમાં ઘણી વાર સાથે થઈ જાય. પણ એ વખતે આપણા રામ એની સાથે જરાય વાત જ ન કરે. ના હું એની સામે જઉં.તને તો ખબર હોય છે કે અપડાઉનમાં બસમાં હું તો હેડફોન પર તારીસાથે વાતો જ કર્યા કરતી હોઉં છું.

હમણાં હમણાં બસમાં કેમ વાત નથી કરતી એમ ? ના.. ના, એવું છે કે હમણાં હમણા બસમાંહું જતી જ નથી. શું ? ચાલીને જવાય અલ્યા? આટલી જાડી પણ નથી થઈ.ના, જરાય વજન નથી વધ્યું હો. ફીફ્ટી સિક્સ કિલોગ્રામ ઓન્લી.રાજુ પણ મારા કદ અને આકારને સિમેટ્રીકલ જ કહેતો હોય છે. અરે નહિ, એ તો જસ્ટ એમ જ. એ નોકરી કરવા જ આવે છે. મારા આકારો સમજવા શું કામ આવે? મેં કહ્યું ને એ એવો નથી.એવો એટલે મૂકેશ જેવો.ને એણે એમ કહ્યું તો એમા ખોટ્ટું શું છે ? મારું ફીગર એવું છે તો..

ના, બસ તો ચાલુ જ છે પણ હું બસમાં નથી જતી.કારમાં જાઉં છું.અરે ના, હું કરકસર કરવાવાળી સ્ત્રી છું,તું ક્યાં નથી જાણતો.એમાં એવું છે કે આ મહિને એણે કાર લીધી છે. કોણે ? એણે એટલે રાજુએ જ તો ! નવી નવી ખરીદી લાવ્યો.. ઈકો ! ના રે પ્રમોશન તો શું ધૂળ મળે ! આ તો બાપાના પૈસે લહેર કરે.ના હું તો બસમાં જ જવાનું રાખું પણ એણે બહુ આગ્રહ કરેલો કે તમારેમારી ગાડીમાં જ આવવાનું. એની લાગણી જ એવી હતી કે હું ના ન પાડી શકી.એટલે હમણાં હમણા એની ગાડીમાં જ જાઉં છું. હા, તને એ વાત કરવાનું રહી જ ગયું.પણ તું ખોટ્ટો ચિંતા કરે એટલે..

હેં ? હા, એ તો કારમાં પણ હેડફોન પર તારીસાથે વાત તો થાય જ, પહેલા બે દિવસ મેં કરેલી પણ ખરી જ.પણ એ વખતે હું પાછળની સીટ પર બેસતી. જો..જો, ફરી ખોટ્ટો ડાઉટ આવ્યો ને ? આવ્યો ને ડાઉટ? તું સાવ ખોટ્ટો જ વિચાર કરતો હોય છે. એટલે જ તને કહેવાનું મન થાય નહિ. તોયે હું એટલી નિખાલસ કે તને કહ્યાં વગર રહું પણ નહિ..હા...હા.

જો સાંભળ, પાછળની સીટમાં બેસતી ત્યારે રાજુ સતત મિરરમાં મને જોયા કરતો હોય એવું મને લાગ્યું. ના, કદાચ એના મનમાં એવું કશું નહિ હોય,મારો વહેમ જ હશે,છતા આપણને એવું તો કેમ ગમે? તું જ કહે ને? નહિ પણ એટલે તું કંઈ કહે એ પહેલા મેં જ રસ્તો વિચારી લીધો. હવે હું આગળ તેની બાજુની સીટમાં જ બેસવા માંડી. એન્ડ યૂ નૉ..પ્રોબ્લેમ સોલ્વડ..!

હા, તને તો ખોટ્ટા જ વિચારો આવવાના.પણ હવે ડ્રાઈવર સીટ પાસે બેસીને તારી સાથે ફોન પર કેમ વાતો કરવીયાર ! એટલું જરા.. સમજ ને ડીયર! ને હા, જો કોઈ વાર તો મોબાઈલની બૅટરી પણ લૉ હોય કે નહિ । એક્વાર રાજુની ગાડીમાં ચાર્જ કરવા મૂકેલો, પણ ત્યારે શું થયું કે હું મોબાઈલ જોવા લઉં ને એ જ વખતે ગિયરબદલવા રાજુનો હાથ મારા હાથ સાથે અથડાય.ભલે અનાયાસ જ થયું હોય પણ આપણને કેમ પોસાય ? મેં તો મોઢામોઢ કહી દેવાનું વિચાર્યું પણ પછી થયું કે એના કરતામોબાઇલ ચાર્જ કરવા જ શું કામ મૂકું? એ સમજી ગયેલો,હાથ અથડાતા તરત જ‘સૉરી મે’મ...સૉરી મે’મ’ કરવા લાગેલો.

શું કહેવું? ‘ઈટ્સ ઓકે.’ કહી દીધું. જસ્ટફોર્માલીટી ડીયર. પાછો કહે, ‘મે’મ, ખોટું લાગ્યું ?’

બાપડો ગભરાયેલો એવો હતો કે મારે કહેવું જ પડ્યું, ‘ના, ખોટું નથી લાગ્યું. પણ ધ્યાન રાખવું.’

શું કહે છો તું? તો શું કોઈને એમ કહેવાય કે હા મને બહુ ખોટું લાગ્યું છે ? તું પણ જબરો છે ભાઈસા’બ ! એ તો એમ જ કહેવાય. એમાં એ સમજી જાય એવો છે, હા સમજદાર છે.

હં.. હં..., તું દૂર છે એટલે તને આવું થાયએ સ્વાભાવિક છે, પણ બીલીવ મી, તું સાવ ખોટ્ટો પરેશાન થાય છે.હવે ફરી કોઈ મૂકેશ કે રાજુ આપણી વચ્ચે ક્યારેય આવી નહિ શકે. હું સાવચેતી રાખીશ,તને ખબર ન પડે એની નહિ,મને કોઈ છેતરી ન જાય એની સાવચેતી, બુદ્ધુ ! હા ભલે હો, સમજુંછું તારી મજાક. ગમેછે મને. તું બેફિકર રહેજે. હવે મારી બાબતમાં તારે ચિંતા કરવાની સહેજ પણ જરુર નથી.  હું એકલે હાથે પુરુષો સાથે લડવા ટેવાયેલી છું. તું જાણે છે.

હેં ? શું ? ના, એમ નહિ પણ આદત પડી ગઈ છે.એકલી રહી નોકરી કરતી સ્ત્રીને આસપાસના પુરુષો સાથે કેમ રહેવુંએ હું સમજતી જ હોઉં છું. તું જરાય ખોટ્ટી ઉપાધિ ના કરીશ.હું કંઈ નાની કીકલી નથી કે મને કોઈ પટાવી જાય.

જો, ફરી પ્રશ્ન થયો ? મને ખબર જ હતી. આ સવાલ આવતા કેમ વાર લાગી ? જો, એનું ટેબલ બાજુમાં હોય તો લંચવખતે પણ એ બાજુમાં જ હોય ને. ના, પહેલા તો એ કેન્ટીનમાં જ જમવાજતો. પણ તને તો ખબર જ છે ને કે મારાહાથની દાળ કેવી બને ? એકવાર મારા લંચબોક્સની સોડમ એના ટેબલે પહોંચી ગઈ. હવે તું જ કહે કોઈ સામેથી જમવા આવે તો એને આપણે ના કેવી રીતેકહી શકીએ ? મારેતો બે રોટલી વધુ બનાવવી એટલું જ ને! છો ને જમતો બીચારો.ના ના, હજી તું ખોટ્ટું જ સમજે છે. એ બાપડો પણ રોજ કંઈ ને કંઈ ફ્રુટ લેતો જ આવે છે.

હા તારી એ ફરિયાદ સાચી છે કે આપણને પણ લંચ સમયે જ ફોન પર વાતોકરવાની જે નિયમિત આદત પડી છે એ રાજુની હાજરીને કારણે જરા ડિસ્ટર્બ થાય છે. પણ તું ખોટ્ટો પરેશાન ના થઈશ. ભલે લંચટાઈમે એ હોય.પણ રાત તો આપણા બેયની જ હો.આપણે આમ જ અત્યારની જેમ આખી રાત વાતો કરીએ તોય કોણ રોકવાનુંછે ! ને આમેય રાતના -આ સમયનો -તારો મૂડ -હુંતો દૂરથી પણ જાણી જાઉં છું. બરાબર.. ને.. એય.. ક્યાં ગયો ? ક્યાંકએ બધા વિચારોમાં તો નથી ખોવાયો ને? જોજે પાછો, ખોટ્ટો..

કેમ ?  જો... જો પાછો ખોટ્ટા વિચારે ચડ્યો. એ તો એક જ વાર થયેલું.ને એમાં પણ મજબુરી હતી.ના ના, ખાલી વરસાદને કારણે મને મૂકવા જ તો આવેલો એ.એમાં શું ? આખી રાત રોકાય એવો ખરાબ માણસ એ છે પણ નહિ.હું ખોટ્ટું શું કામ બોલું? મારે ખોટ્ટું બોલવું હોય તો તો મારો ફોન જ બંધ ના કરી દઉં ? હેં ? બોલ તો. હાપણ એ તો ઑફિસેથી આવીને સાયલન્ટ મોડમાં રાખેલા ફોનને જનરલ મોડમાં લાવવાનું જ ભૂલી ગયેલી, એમાં તારા એકેય ફોન રીસીવ થયા નહિ. વરસાદમાં ફોન પણ ભીનો થયેલો.વરસાદ ખૂબ હતો એટલે એ મને ઘર સુધી મૂકવા આવેલો. અહિ સુધી આવે એટલે આપણે જરા શિષ્ટાચાર તો કરીએ જ ને.. કર્યો.

પણ પછી રાજુ તો તરત જ નિકળી ગયેલો, હા જેવું વહેલી સવારે વરસાદનું જોર ઘટ્યું કે તરત જ ! મેં સમજાવેલો,કે રોકાઈ જા,શહેરના રસ્તાઓ પર બહુ બધે પાણી ભરાઈ ગયા છે, પણ એ માન્યો જ નહિ.ખાનદાન છોકરો! જો કે હું પણ એ જાય તો સારું એમ જ વિચારતી હતી. શું કે આવા સમયે એના મનમાં શું ચાલી રહ્યું હોય કેમ ખબર પડે ? મેં એને કૉફી પીવરાવીને જવા જ દીધેલો. પણ થાકેલી હોવા છતા સવારે જાગીને મેં સૌથી પહેલા તારી સાથે જતો વાત કરી હતી.

શું ? મારો ફોન બીઝી આવતો હતો ? જો, ફરી ખોટ્ટો ડાઉટ ! અરે, એ તો વહેલી સવારે આટલા વરસાદમાં બધા રસ્તાઓ બંધ હતા એટલે એ ઘરે પહોંચ્યો કે નહિએ જાણવા માત્ર મેં એને ફોન કરેલો. અજાણ્યા શહેરમાં એકલો છોકરો.. મારો જુનિયર, આટલી કેર તો કરવી પડે કે નહિ ? તું જ કહે ને. અરે નહિ, કેરએટલે જસ્ટ ચિંતા. એ બાપડાનું કોણ અહિ ? એટલે જરા દયા આવે. બાકી આપણે ને એને શું ? તું જ મને નહિ સમજે તો હું તને કહેવાનું પણ બંધ કરી દઈશ. હું તને મૂકીને ક્યાંય જવાની છું ? નેવ્વર... વિચાર પણ ના આવે મને તો. હેં ? બસ ત્યારે. તું નાહકનો સાવ ખોટ્ટો..

આવું ના વિચાર પાગલ,તું મારો પતિ છે.તને હક છે આ બધું જ પૂછવાનો,બધું જ જાણવાનો અધિકાર છે તને. સાચું કહું તો મને તારી આ વાત જ બહુ ગમે છે. છેવટે તારે જ તો મને આમ સંભાળી લેવાની હોય. પણ મારા ટેન્શનમાં પરેશાન રહેતો નહિ. તું પરેશાન હો એટલે મને તરત જ ખબર પડી જ જાય. સિક્સ્થ સેન્સ સતેજ ખરી ને! તું સાવ ખોટ્ટો હેરાન થાય એ મને તો કેમ ગમે. ખરું ને !

 

-અજય ઓઝા