મિનાક્ષી

સ્વાતિ દેસાઇ

July 24, 2026

ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ ઉજ્જનના મહાકાળના મંદિરની સવારની ભસ્મ આરતી પછી ભક્તજનો પોતાના નિવાસસ્થાને પાછાં ફરી રહ્યા હતા.મોટાભાગના ભક્તો રામઘાટ તરફ નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવી ઘરે જવાનું પસંદ કરતા હતા.

                                             સુંદર સવારના ક્ષિપ્રાનો કાંઠો અત્યંત શાંત, રમણીય અને પ્રેરણાદાયી દ્રશ્ય ખડું કરતો હતો. પૂર્વ દિશામાં ઊગતો સૂર્ય અને તેનું પ્રતિબિંબ ઝીલતાં નદીના નીર અલૌકિક ભાસતાં હતા. નદીના નીરમાં રેલાતાં સૂર્યના સોનેરી કિરણો મોતીની જેમ ચળકતાં હતા. આખું વાતાવરણ અત્યંત  લોભામણું હતું નેભક્તજનોને લોભાવતું હતું, તેમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે તેવી લોકવાયકાને આધારે સૌકોઇ તેમાં ડૂબકી લગાવતા હતા.

                                આ સમયે જાનકી ભસ્મ આરતી પછી સફાઇકર્મીની ફરજ પૂરી કરી નદીના પવિત્ર જળમાં સ્નાન કરી ઘર તરફ ચાલી નીકળી. આજે થોડું મોડું થયું હતું, તેથી ઝડપથી પગ ઉપાડતી ઘરે

પહોંચી. ઘરે પહોંચતાં જ જોયું કે મીનુ નિરાંતે સૂતી હતી. નાનકો હજી 6 મહિનાનો જ હતો તે ઘોડિયામાં ચળવળતો હતો ને સાસુ અર્ધ ઊંઘરેટાયેલી આંખે હીંચકતા હતા. જાનકીનો વર સીતારામ મંદિરનો ચોકીદાર

હતો તેની ફરજનો સમય બદલાતો રહેતો. આજે તેને રાતપાળી હતી એટલે આઠ વાગ્યા પછી ઘરે આવવાનો હતો. જાનકી બંગલે કામ કરવા જતી એટલે તેને ઘરના કામમાં પણ મદદ કરતો. સાસુ નાનકાને રાખતા ને

શક્ય એટલી મદદ કરતા. ઘરને ટેકો કરવા જાનકી જાત તોડતી.

                              ઘરમાં પેસતાં જ જાનકીએ મીનુને હાંક મારી, “ચલ ઉઠ, તારે શાળાએ જવાનું મોડું થશે, સાડા સાતે રીક્ષા આવી જશે સાડા છ તો વાગી ગયા.” પણ મીઠી નીંદર માણી રહેલી મીનુ એમ શેની

ઉઠે!! તેના સુંદર મુખારવિંદ પર નજર પડતાં જાનકી મલકી ઉઠી. કેવા સુંદર પરવાળાં જેવા હોઠ, લાંબી કાળી ભમ્મર તો તીરની પણછની જેમ આંખ ઉપર ખેંચાયેલી હતી, અણિયાળી નાસિકા ને ઉઘડતો ગોરો વાન. હજી તો નાની છે, યૌવન ટકોરા મારતું ઉંબરે આવશે ત્યારે આ ચાલીમાં રૂપનાં ભારાને કેવી રીતે સાચવીશ .

કોનું ફરજંદ હશે? પણ વિચારોને હડસેલો મારી મીનુને ઢંઢોળીને ઉઠાડીને નાનકાને ખોળે લીધો ને ધવડાવવા બેઠી. દસ વર્ષની મીનુ ઉઠતાં જ જાતે તૈયાર થઇ ને વાળ ઓળાવવા મા પાસે આવી. જાનકી બોલી, “ રાખ હમણાં બે મિનિટ, માથું ઓળી આપું છું. મા “ હવે તું મોડું કરાવે છે , પછી રીક્ષા જતી રહેશે તો બાપુને મૂકવા શાળાએ આવવું પડશે.” અરે એમ નાનકાને થોડો ધવડાવતા મૂકી દેવાય જરી થોભ પણ ત્યાં તો તૈયાર થયેલી મીનુના પગ ઠરે તો ને!! લાકડાના કબાટના આયના પાસે જઇ અરીસામાં જોઇને નૃત્યની અવનવી ભંગિમા કરવા લાગી. માં ના શબ્દોમાં નાચવા લાગી, માએ જોતાં જ બૂમ મારી” કોણ આને આ

શિખવાડતું હશે, હવે નાચ્યા જ કરીશ કે વાળ ઓળાવીશ”?

                                  મીનુ શાળાએ જતાં જાનકી રોજીંદા કામે વળગી. સાસુ જમનાબહેન પણ ઉઠી  ખોડંગાતા પગે રસોડામાં જઇ જાનકીને મદદ કરવા લાગ્યા. થોડા દિવસથી તેમનો ઘૂંટણનો દુખાવો વધી

ગયો હતો તેની ફરિયાદ જાનકીને કરવા લાગ્યા.  “ બા આજે વૈદને ત્યાંથી લેપ લઇ આવીશ તમે ગરમ પાણીનો શેક કરજો, બાજુવાળી મંજુ આંકડાનાં પાન લાવી આપવાનું કહેતી હતી તેના પર દિવેલ લગાવી તમને

ઘૂંટણે બાંધી આપશે તેનાથી આરામ મળશે” એમ બોલતા તેણે બાને સાંત્વના આપી. સારું વહુબેટા તું મારી બહુ કાળજી કરે છે એમ બોલતાં મલકી ઉઠ્યા.

                             રસોઇ કરતાં  કરતાં દબાવી દીધેલો વિચાર વંટોળ તેના મનને ઘેરી વળ્યો.આવી જ શિયાળાની વહેલી સવારે ભસ્મ આરતી પછી મંદિરના પાછલાં દરવાજેથી નીકળી રામઘાટ તરફ જવા નીકળી કે આગલા દિવસના ચઢાવેલાં ફૂલોના ઢગલા જે કચરા પેટીની બહાર ફેલાયેલાં હતાં તે જોતાં જ બબડી આ કચરાપેટીમાં નાખતાં શું રઘુને જોર આવે છે. રઘુ  ભગવાનના શણગારના  વાસી ફૂલોને કચરાપેટીના હવાલે કરવાની વ્યવસ્થા કરતો. ત્યાંથી પસાર થતાં ફૂલોના ઢગલા પાસે તીણાં રુદનનો અવાજ સંભળાયો. તે સાંભળતાં થયું બિલાડી અહીં  વિયાઇ લાગે છે તેમ વિચારી અવાજને અવગણી આગળ થઇ પણ ધ્યાનથી સાંભળતાં માનવ બાળના રુદનને મળતો આવતાં અવાજે તેના પગ થંબાવ્યા. વીજળીના થાંબલાનો બલ્બ આછો પ્રકાશ ફેલાવતા હતા  ત્યાં વાંકી વળી  ઝાંખા પ્રકાશમાં ઢગલો  ફંફોળતા તેની આંખ ચમકી ઉઠી, ગુલાબી રેશમી કપડામાં વીંટાળેલું કન્યા રત્ન નજરે પડ્યું. ત્વરિત તેને ઢગલાંમાંથી બહાર કાઢી જેવું ખભે નાંખી થપથપાવ્યું કે તેનું રુદન બંધ થઇ ગયું. લગ્નના ચાર વર્ષ પછી પણ તેના ઘરે પારણું બંધાયું

નહોતું. તેનું માતૃત્વ ઉછાળા મારવા લાગ્યું. ચમત્કાર કહો કે મહાકાળની કૃપા તેની છાતીમાંથી દૂધની ધાર નીકળી તેનાં કબજાને પલાળવા લાગ્યા તો અવિરત આંસુની ધાર ગાલ પરથી રેલાઈને  તેની ખારાશ દૂધની ધાર સાથે સંયોજાઇ. કુદરતનો કેવી લીલા!! હવે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘર તરફ લગભગ દોટ મૂકી, ઘરે પહોંચતા જ ધમણની પેઠે હાંફતી  છાતી સાથે બહાર આંગણામાં બેઠેલ સાસુનાં પગ પાસે બાળકને મૂકી બોલી, બા આજે અમૂલ્ય ભેટ મળી છે!! થોડીવાર તો જમનાબહેન હાંફતી જાનકી ને બાળકને અનમયસ્કપણે જોઇ રહ્યા, પછી કંઇક સમજાતાં પૃછા કરવા લાગ્યા, આટલી સુંદર બાળકીને કોણે તરછોડી હશે? બા, હું આ બાળકીને ઉછેરીશ, જમનાબહેન તેની ઘેલછા પારખી તેની તરફ નજર કરતાં જ અનુભવી આંખ સમજી ને કહ્યું,” જા પગલી પહેલાં તેને છાતીએ વળગાડ “. છાતીએ વળગાળતા જ બાળકી બુચકારા લેવા લાગી ને જાનકીએ સ્વર્ગ જેવો અવર્ણનીય આનંદ અનુભવ્યો. ત્યાંજ રાજારામ આવ્યો આખું દ્રશ્ય તેને અચંબો પમાડે તેવું હતું. જમનાબાએ વધામણાં આપ્યા ને તે ખુશીથી ઉછળી પડ્યો. થોડીવારમાં તો વાયુવેગે સમાચાર ચાલીમાં ફરી વળતાં લોકની ઠ્ઠઠ ભેગી થઇ ગઇ. નાનાં ભૂલકાંઓ કૂતુહલવશ નાની બાળકીને જોવાં પડાપડી કરવા લાગ્યા, વળી તેનું નામ  પાડવા હોંસાતુસી કરવા લાગ્યા ત્યાં બાજુવાળી મંજુના દીકરાએ હક જતાવતાં કહ્યું આપણે તેને મીનુ કહીશું. બસ પછી તો ચાલીમાં ઉત્સવ જેવો માહોલ રચાયો ને જાનકીએ લાપસીનાં આંધણ ચૂલે ચડાવ્યા.

                           આજે દસકા પહેલાંના દ્રશ્ય તેની આંખ સામેથી સરકવા લાગ્યા. મીનુના આગમનના દસ વર્ષ પછી  નાનકાંનો જન્મ થયો એટલે સ્વાભાવિકપણે ઘરના સર્વે તેને ખૂબ ચાહતા. મીનુ હતી પણ

દુશ્મનને વ્હાલી લાગે તેવી!!!

                        —— સ્વાતિ દેસાઇ