“મા”
હોસ્પિટલના બિછાને પડેલો અશક્ત અનિકેત કાન દઈ એકધ્યાને ડોક્ટરને સાંભળી રહ્યો હતો. તેને તપાસ્યા બાદ ડોક્ટર માથું ધુણાવતા બોલ્યા, "સોરી ટુ સે બટહવે તમારી પાસે વધુ સમય નથી. જેને બોલાવવા હોય તેને બોલાવી લો. મળવું હોય તેને મળીલો."
એક મા સિવાય અનિકેતનું બીજું હતું પણ કોણ? "મા..." નુંરટણ કરતા અનિકેતે નર્સને આજીજી કરતાં કહ્યું, "મારી માને બોલાવીદો પ્લીઝ. બસ મારે અંત સમયે છેલ્લી વાર મારી માને જોવી છે. તેનો કોમળ હાથ મારા માથે ફરે અને હું તેના ખોળામાં માથું મૂકી ઊંઘી જઊં એટલી જ ઈચ્છા છે. અફસોસ! આખીજિંદગી હું મારા પોતાનામાં જ એટલો રચ્યોપચ્યો રહ્યો કે તેની સરખી પૂછા પણ નકરી." અનિકેત બબડ્યો. રૂપિયાની ચમક પાછળ આંધળી દોટ મૂકેલી અને સગી માનેગામડામાં એકલી મૂકી તે આ મોટા શહેરમાં વર્ષોથી આવી ગયો હતો. તેનું માને અહીંલાવવાનું સપનું પુરૂં ન થઈ શક્યું. ધન કમાયો, સફળતા પાછળૌ તેદોડતો રહ્યો અને જીવન અચાનક અટકી પડ્યું, સાવ અચાનક, અણધાર્યું.
"આ શહેરની રોનકે મારી આંખો એવી તો ચકાચૌંધ કરી દીધી કે લાગણી નીતરતી માનો પ્રેમ ન જોઈ શક્યો. નતેને પુરતો સમય આપી શક્યો. હવે મારી પાસે સમય નથી. તેને અહીં બોલાવી દો પ્લીઝ. મનેબસ મારી મા જોઈએ છે. તેને તેડાવો." અનિકેતના ગળે ડૂમો બાઝ્યો.
અનિકેતની વહેતી આંખોએ ઓશીકું ભીંજવી દીધું. બારણું ખુલે અને અનિકેતને થાય, 'માઆવી.' પરંતુ પાંચ પાંચ દિવસ વીતી ગયા છતાંય...
તે રાત્રે એ આવી. અનિકેતની સાવ લગોલગ બેઠી. તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો, રજાઈઓઢાડી, મીઠું હાલરડું ગણગણી જેવી એ નાનો હતો ત્યારે તેને ઊંઘાડીદેવા માટે એ ગાતી. સ્નેહપૂર્વક બોલી, "હું છુંને."
અનિકેતે આંખોખોલી. માને જોઈ. બે ચહેરા એકમેકમાં ભળી ગયા. અનિકેતના હોઠ મલક્યા, "મા?" તેના ચહેરા પરપરમ શાંતિ પથરાઈ ગઈ પછી તેણે આંખો મીંચી દીધી, હંમેશને માટે.
એ ઊઠી. બે પલંગ વચ્ચેનો પડદો હટાવી બાજુના બિછાના પર જઈ શાંતિથી ઊંઘી ગઈ. એ જોઈ નર્સ પૂછ્યા વગર નરહી શકી, "આન્ટી, તમે આમ?"
"હું પણ એક મા છુંને. તેને આમ વલખાં મારતો ન જોઈ શકી. હજુય મારો દીકરો જો મોડો મોડો પણ આવી ચઢે તો કહેજે, તારી મા સંતોષપૂર્વક શાંતિથી ગઈ." કહી તેણે આંખો મીંચીદીધી.
************
સુષમા શેઠ.
