અનોખો સંબંધ
"ચાલો હાશ,આખા કુટુંબમાં દીકરી ની ખોટ હતી એ આજે ભગવાને પૂરી કરી."લગ્ન કરી પોંખાતીવેળાએ ૨૧ વર્ષની સ્નેહા ને કાને પડેલા, શીતળતા રેલાવતા આ શબ્દોએ ,જાણે એક અનોખા સંબંધ નીશરૂઆત થઈ.સ્નેહાને વળાવતી વખતે એની મમ્મીએ કાનમાં કહેલ વાક્યો યાદઆવ્યા.. "બેટા,બધાને પોતાના જ માની ને ઘરમાં પ્રવેશકરજે.. સ્વપ્નમાં કે વિચારોમાં પણ ભેદભાવ લાવીશ નહીં, નહિ તો મારા સંસ્કાર અનેઉછેર વ્યર્થ જશે." ત્યારે સ્નેહા ને મનમાં પ્રશ્ન થયો હતો કે "શું હુંમમ્મીની સલાહ અનુસરવામાં સફળ થઈશ ખરી?"પણ પોંખાતી વેળાએ કાને પડેલાઆ શબ્દોએ બધું જ સરળ કરી નાખ્યું અને એણે ઘરમાં પુત્ર થી વધુ એવી પુત્રવધૂનારૂપમાં એક દીકરી તરીકે ,ઉમળકા, ઉષ્મા અને સ્નેહ થી પ્રવેશ કર્યો.
અરે! પણ આ શબ્દો કોના હતા એ તો પૂછો? એ હતા કામિનીમાસી.. જે સ્નેહા ના પતિ સંજીવના માસી હતા,જેમને પોતાને બેપુત્રો હોવા છતાં સંજીવ ને પણ પોતાના મોટા દીકરા જેવું જ વ્હાલ કરતાં અને પછી તોએક પરીકથા ની જેમ વર્ષો વીતતાં ચાલ્યા. પાણી ના રેલાની જેમ સહજ અને સરળ..
લગ્ન પછી રિસેપ્શન પત્યું અને પછી હનીમૂન માટે પણ કામિનીમાસી, સંજીવ અને સ્નેહા ને પહેલાં પોતાને ઘેરે લઈ ગયા અને પછી પોતે જ એમના ફરવાની વ્યવસ્થા કરી અને એ લોકો ની,ખાસ કરીને સ્નેહા માટે welcome party કરી.લગ્ન પછી નીપહેલી રક્ષાબંધન આવી ત્યારે અગાઉથી જ કામિનીમાસી નો ફોન આવી ગયો હતો કે "તારાભાઈ ને રાખડી બાંધ્યા પછી તારી અનુકૂળતાએ આ બીજા બે ભાઈઓને રાખડી બાંધવા આવજે એલોકોના હાથે આજ સુધી કોઈએ રક્ષા બાંધી જ નથી." સ્નેહાએ પણ દિલથી જ અનુરાગ અને સ્વપ્નિલ ને દિલ થી ભાઈ માની લીધા હતા. પછી તો એ બંને ભાઈઓ માટે છોકરી પસંદ કરવાની હોય તો સ્નેહા, બંને ના લગ્ન વખતે બહેન ની તમામ ફરજો.. અને હક પણ.. અને વિધિ.. તો સ્નેહા,શ્રીમંત વખતે જલ્પા અને અનુશ્રી ને રાખડી બાંધવી,બાળકોના છઠ્ઠી પૂજન,નામકરણ બધું જ સ્નેહા સ્નેહા સ્નેહા. કામિનીમાસી એ સાચ્ચા અર્થમાં સ્નેહાને પોતાની દિકરીનો દરજ્જો જાણે-અજાણે આપી દીધો અને આ વર્ષો દરમિયાન સ્નેહાની ભૂલો કેવાંક જો બીજું કોઈ બતાવે તો એને છાવરતા રહ્યા અને સ્નેહ વરસાવતા રહ્યા અને આ જુગલ જોડી માસી સાસુ -ભાણેજવહુ ને બદલે બહેનપણી બની ગયા. બંને ને વાંચવાનો શોખ સરખો તેથી મળે ત્યારેજુદા જુદા પુસ્તકોની વાત કરે..."તેં daughter of the east વાંચ્યું કે નહીં..અરે, હું તો મરાઠી નાટક એકલી જોવા જતી રહી હોં.."અને પછી તો નાટક ની સ્ટોરી સ્નેહાને તો કહેવી જ પડેને!
સ્નેહા પોતાના બાળકોના ઉછેર માં,પોતાની જોબ માં વ્યસ્ત થતી ચાલી,વાતો કરવાનું ઓછું થતું ચાલ્યું,પણ..જ્યારે વાત થાય ત્યારે એક દોઢ કલાક ફોન પર ક્યાં નીકળી જાય એ ખબર ન પડે ત્યારે પાછા થોડાક સ્નેહાને લાયક લાભદાયક સૂચનો તો કરી જ લે, મળતાં હોય ત્યારે તો કરતા જ હોય કે "તું ફલાણા ફલાણી સાથે વોટ્સએપ ચેટ ન કરતી હોં..હું તને ના પાડું છું. તું ગમ્મે તેટલું સીધું લખીશ પણ એને ઊંધું જ પડશે."
આવા બધા સૂચનો ચાલ્યા કરે. કુટુંબ માંબીજા કોઈને પણ પ્રશ્નો કે સમસ્યા હોય તો કામિનીમાસી હંમેશા મદદ કરવા તત્પર. સ્નેહાએ આ અનિયમિત ફોન ની વાતચીત દરમિયાન છેલ્લા થોડા સમય થી નોંધ્યું હતું કે કામિનીમાસી ને ખાંસી આવતી હતી અને ક્યારેક શ્વાસ પણ ભરાઈ જતો હતો. સ્નેહાએ ચિંતા વ્યક્ત કરતાં એમનું ધ્યાન દોર્યું પણ ખરું, કહે કે " ના ના.. એ તો હમણાં જ વઘાર કર્યો" પણ એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે કામિનીમાસી ને ફેફસાંનો રોગ થયો છે જેથી ધીમે ધીમે વધશે,જેની કોઈ સારવાર નથી અને એ દિવસે સ્નેહા એકલી એકલી ખૂબ રડી...પણ જ્યારે બંને વાત કરે ત્યારે એ બાબતની વાત ન જ કરે અને પહેલાં ની જેમ વાતો નો સિલસિલો શરૂ થયો,પણ એ વાતો ટૂંકી થતી ગઈ,કારણકે કામિનીમાસી લાંબી વાત કરી શકે એમ નહોતા. એ નહોતા કરી શકતા.
"કેમછો?"..એનો જવાબ હંમેશા.."હોઉ..એકદમ મઝામાં"એમ જ હોય પણ રોગે એમનો પ્રવાસચાલુ રાખ્યો.જાતે શ્વાસ ન લઈ શકતા, ઓક્સિજન ની સહાય લેવી પડી.એક દિવસ કામિનીમાસી એ અસહાય મનોદશા માં સ્નેહા નેમેસેજ કર્યો કે "મેં ખૂબ સરસ જીવન વિતાવ્યું છે તો મારી વ્હાલી વ્યક્તિઓએ મનેજવાની પરમિશન આપવી જોઈએ,હું થાકી ગઈ છું"એ વાંચી સ્નેહા ભાંગી પડી.. એણે વળતો મેસેજ કર્યો,"અમારે તમારા હૂંફ અનેવાત્સલ્ય ની જરૂર છે એટલે પરમિશન નોટ ગ્રાન્ટેડ"
Daughter's day નો ખૂબ લાગણીભર્યો મેસેજ આવ્યો અને કામિનીમાસી ને કુટુંબ માં જે કોઈને પણસમસ્યાના સમાધાન કરવાના હતા એ કામ સ્નેહા ને સોંપતો મેસેજ આવ્યો..."આ તું જકરી શકીશ".
સ્નેહા નહોતી જાણતી કે આ કામિનીમાસી નો છેલ્લો મેસેજ હતો.એમની તબિયત કથળતીચાલી.શ્વાસ લેવામાં અપાર મુશ્કેલી પડવા લાગી.સ્નેહા દૂર બેઠી ખૂબ અપસેટ રહેવાલાગી.એના સંજોગો એવા હતા કે એમની પાસે એ રોકાઈ શકે એમ નહોતી, કારણકે સ્નેહા ના સસરા પણગંભીર માંદગી થી પીડાતા હતા.
કામિનીમાસીની વિદાયના થોડા જ દિવસ પહેલાં સ્નેહાને ઉદાસ જોઈ ને કુટુંબની જ કોઈવ્યક્તિએ કહ્યું પણ ખરું," કે તું તો બહારથી આવેલી છે,તારે એની સાથે લોહીનો સંબધ થોડો છે,તો તું શું કામ એમની આટલી બધી ચિંતા કરે છે"
અને ત્યારે સ્નેહા નું હૃદય વીંધાઈ ગયું, મન માં ને મન માં સમસમી ગઈ,પણ શાંતિ થી વિચારકરતાં એને લાગ્યું કે "વાત તો સાચી જ હતી, હું ક્યાં એમની સગી દીકરી છું?" અને સ્નેહાએ પોતાની જાતને ધીમે ધીમે કામિનીમાસી થી અળગી કરવા માંડી, detachment શરૂ કર્યું, પ્રયત્ન પૂર્વક..બહારથી..અંદરનો તાર તો મજબૂત જ હતો પણ દિમાગ અને દિલ ની લડાઈ ખૂબ ચાલી, ખૂબ સંઘર્ષ થયો અને અંતે એ વિદાય ની ઘડી આવી જ ગઈ.
કુટુંબના એ બધા જ સભ્યોની નવાઈ વચ્ચે સ્નેહાએ ભલે પ્રયત્નપૂર્વક પણ પોતાની જાતને બધી જે લૌકિક ક્રિયાઓમાંથી અળગી રાખી. પણ એનું મન સતત રડતું હતું. સ્નેહાએ અલગ જે રીતે કામિનીમાસીને શ્રધાંજલિ આપી અને તર્પણ કર્યું. એમનું સોંપેલું કામપૂરું કરી ને,એમના સૂચનોનું પાલન કરીને અને ખૂબ મનોમન વાતો કરી.વસમી વિદાયમાંથી મનને સ્વસ્થ થતાં થોડા મહિનાઓ લાગ્યા અને સંજીવના અવિરત પ્રયાસો અને આશ્વાસનથી સ્નેહા થોડી સંતુલિત થઈ. સંજીવ સિવાય એ કોઈને પોતાની મનઃસ્થિતિ દર્શાવા નહોતી માંગતી,એને પણ ખાંસી આવવી,શ્વાસ ભરાવો એવી તકલીફો શરૂથઈ ગઈ.. ત્યારે સંજીવે કહ્યું "આ માનસિક લક્ષણો છે સમય સાથે જતા રહેશે."પણ.. છ જ મહિનાની અંદર સ્નેહા ને પણ એક દિવસ ડોક્ટર ને બતાવા જવું જ પડ્યું અને ડોક્ટરે કહ્યું કે "તમારે રાત્રે સૂતી વખતે ચાર - પાંચ કલાક ઓક્સિજન લેવો પડશે. અને જે રાત્રે, સ્નેહાને પહેલીવાર ઓક્સિજન માસ્ક નાક પર લગાવવો પડ્યો ,ત્યારે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી કે કામિનીમાસીને તો ચોવીસ કલાક આવું.. કઈ રીતે એમણે વેઠ્યું હશે? સ્નેહાએ મનોમન વિચાર્યું, "ભલે હું સગી દીકરી નહોતી,ભલે મારા લોહી ના સંબધ નહોતા,પણ વારસો તો મને જ મળ્યોને!"
અને .. સ- સ્મિત ,આંખો મીંચી ને કામિનીમાસીને યાદ કરતાં કરતાં સ્નેહા સૂઈ ગઈ.
_ નેહા જોષીપુરા અંતાણી